“ મારે સિંહ જોવો છે..“


નીચે દર્શાવેલ વાર્તામાં વ્યક્તિનું નામ તથા ઓળખ બદલવામાં આવેલ છે.

“માનવીના બધા જ ગુણોમાં સાહસ પહેલો ગુણ છે,કારણકે તે બધા જ ગુણોની જવાબદારી લે છે.”
આજે આપણે વાત કરીશું શૂરવીરતા ,સાહસ અને આત્મવિશ્વાસની…
કોઈ પણ વ્યક્તિ ગીરમાં પગ મૂકે અથવા ગીરની વાત કરે એટલે “વનના રાજા સિંહ”ને કેમ ભુલાય…
કંઈક આવું જ બન્યું હતું અમારા ગામમાં…

એક ડોક્ટર નવા નવા ગામમાં આવેલા,અને જ્યારથી આવ્યા ત્યારથી એક જીદ “મારે સિંહ જોવો છે..“,હવે કંઈ સિંહ આપણી મરજી પ્રમાણે તો ચાલે નહિં એટલે ગામના લોકો એ ડોક્ટરને સમજવ્યા અને કહ્યું,”ભાઈ,ઈ તો જંગલનો રાજા છે..એમ જોવા નો મળે.. પણ જ્યારે મારણ(શિકાર) કરશે ત્યારે તમને જરુરથી કઈશું”.એટલે ડોક્ટરે પણ તેમની હા માં હા મિલાવી. હવે આ વાતને લગભગ ૨-૩ અઠવાઠિયા થવા આવ્યા,અને સમયની સાથે સાથે ડોક્ટરની અધીરાઈ પણ વધતી ગઈ.એવામાં ક્યાંકથી ખબર મળી કે,”ધાર ઉપર સિંહે મારણ કર્યું છે”.બસ,હવે તો આ વાતની ડોક્ટરને ખબર પડે એટલી વાર હતી.ડોક્ટરને આ વાતની જાણ થઈ અને એની આંખો ચમકી.ગામના લોકો પણ સહમત થયા અને ડોક્ટર તથા ગામના ૩-૪ જણા ભેગા થઈને નીકળ્યા સિંહ જોવા.

               ગામની નજીક ધાર પર સિંહ શિકાર કરીને બેઠો હતો અને ગામના લોકો ડોક્ટર સાથે ત્યાં પહોંચ્યા.તે લોકો એ ધારની નજીક રમેશભાઈના ખેતરમાંથી ડોક્ટરને સિંહ બતાવ્યો,પણ ડૉક્ટર સાહેબ માન્યા નહિં.એમણે તો ફરમાઈશ મૂકી,”મારે તો સિંહને ચાલતા જોવો છે”.લોકોએ ડોક્ટરને ઘણા સમજાવ્યા,પણ ડોક્ટરે જીદ છોડી નહિં.છેવટે ભીમાભાઈએ બધાને ઝાડ પર ચઢી જવા કહ્યું.પછી તેમણે એક પથ્થર લઈને સિંહ તરફ ફેંક્યો. પથ્થર વાગ્તાની સાથે જ સિંહે જોરથી ત્રાડ પાડી અને ભીમાભાઈ ઝાડ પર ચડે એની પહેલા તો સિંહે તેમની નજીક આવીને ભીમાભાઈના પગ પર નહોર મારી દીધા.ભીમાભાઈ ઘાયલ હોવા છતાં પણ ભાગવાને બદલે તેમણે સિંહ સાથે બાથ ભીડી.સિંહ સાથે લડતા લડતા ભીમાભાઈ ખૂબ જ ઘાયલ થઈ ચૂક્યા હતા.સિંહે તેમની છાતી અને ખભા પર પણ  નહોર મારી દીધા હતા.
               આ સમયે ઝાડ પર રહેલા વસુભાઈએ ઉપરથી સિંહ પર કૂદકો માર્યો અને સિંહને ધક્કો મારીને ભીમાભાઈને ઘરે જવા કહ્યું.સિંહ વસુભાઈને ઘાયલ કરવા માટે તેની તરફ દોડ્યો પણ સાથે આવેલા સાથીમિત્રોએ સમય-સૂચકતા વાપરીને ગામમાં જાણ કરી દીધી,જેથી ગામવાળા બળદગાડું અને હાથમાં લાકડી લઈને સિંહને ભગાડવા માટે આવી પહોંચ્યા.ગામવાળાને આવતા જોઈને સિંહ ભાગી ગયો અને ભીમાભાઈને ગાડામાં સુવડાવીને બાજુનાં ગામમાં ડોક્ટર પાસે લઈ જવામાં આવ્યા…
ધન્ય છે એ ભૂમિ જ્યાં ભીમાભાઈ અને વસુભાઈ જેવા શૂરવીરો જન્મ લે છે..
“ભય ઉપર આત્માનો શાનદાર વિજય એ જ વીરતા છે.”

Comments

Post a Comment

Popular posts from this blog

તને મમ્મી ગમે કે પપ્પા?

“ મારું ગામ”

ડરથી ડરશો નહીં